- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
બળબળતા ઉનાળાની વિદાય નજીક આવે અને મેઘરાજાની સવારીની છડી પોકારતા મોરલા મે આવ... મે આવ... એવાં ગહેકાટથી વાતાવરણ ગુંજતું કરી દે છે ત્યારે લોકો પણ ચોમાસાને વધાવવા તૈયાર થઈ જાય છે, પણ ગોવા પાસે એક એવું ગામ છે જે વર્ષના ૧૧ મહિના પાણીમાં ડૂબેલું રહે છે અને માત્ર મે મહિનામાં જ દેખા દે છે. એટલે બંધ બંધાતા ડૂબાણમાં ગયેલા આ ગામના જૂના રહેવાસીઓ આજે પણ મે મહિનો ઝટ આવે અને ઝટ પોતાની જન્મ-ભોમકાને મનભરીને જોઈ લઈએ એવી ભાવના સાથે જાણે મનોમન મે-આવ... મે-આવ... એવો ગહેકાટ કરે છે. ગોવાના કુર્દી નામના ગામમાં અનેક દાયકા પહેલાં લગભગ ૩ હજાર લોકોની આબાદી હતી. ગામમાં હિન્દુ, ખ્રીસ્તી અને મુસલમાનો હળીમળીને રહેતાં. કુર્દીમાં મંદિર, મસ્જિદ, ચર્ચ બાંધેલા હતા. પરંતુ દક્ષિણ ગોવામાં પાણીની અછત વર્તાવા માંડી. એટલે સરકારે સલૌલીમ નદી પર ડેમ બાંધ્યો. કુર્દીના તમામ પ્રકલ્પગ્રસ્તોને બીજે વસાવવામાં આવ્યા. નદી પર ડેમ બંધાયા પછી આખું ગામ ડૂબાણમાં ગયું. હવે જ્યારે મેં મહિનામાં ભરઉનાળે ડેમનું પાણી ઓછું થાય ત્યારે એક જ મહિનો આ ગામના અવશેષો જોવા મળે છે. બાકી ૧૧ મહિના પાણીમાં ડૂબેલું રહે છે. છતાં આ ગામના જૂના રહેવાસીઓ દૂરદૂરથી આવીને સજળ આંખે પોતાના જળમગ્ન ગામને જોવાનું ચૂકતા નથી. આ જોઈને કહી શકાયઃ
મહિનાઓ લગી જ્યાં
ફરી વળે પાણી
એવી જનમ-ભોમકાને એકવાર
જોઈ આંખો થાય પાણી પાણી.
સ્વાસ્થ્યનો સંદેશ આપવા ૪૦ હજાર કિ.મી.ની સાઈકલ સવારી
વધતાં પેટ અને વધતા પેટ્રોલના ભાવનો એક જ ઈલાજ છે સાઈકલ. સાઈકલ ચલાવો, શરીર નિરોગી બનાવો અને પેેટ્રોલના પૈસા બચાવો. એટલે જ આમજનતા સુધી અને ખાસ તો યુવાનો સુધી સ્વાસ્થ્ય માટે સાઈકલનો સંદેશ પહોંચાડવા માટે મેઘાલયના સહાયક પ્રોફેસર ડો.પાયનિયારણંગ નોંગબ્રી સતત સાઈકલિંગ કરતા જ રહે છે. ૪૦ વર્ષની ઉંમરના આ સાઈકલવીરે અત્યાર સુધીમાં ૪૦ હજાર કિલોમીટર સાઈકલ ચલાવવાનો વિક્રમ કર્યો છે. મેઘાલયના ખાસી હિલ જિલ્લાના મવનઈચ ગામે રહેતા ડો.નોંગબ્રીને નાનપણમાં સાઈકલ તલાવવાનો એવો નાદ લાગ્યો કે પીએચડીની પદવી મેળવી ત્યાં સુધી સાઈકલ જ ચલાવતા રહ્યા છે. ઘરેથી કોલેજ જવા-આવવા માટે સાઈકલનો જ ઉપયોગ કરે છે, દુર્ગમ પહાડી વિસ્તારોમાં ફરી સ્વાસ્થ્યનો સંદેશ આપવા માટે પણ સાઈકલ સવારી કરીને જ જાય છે. કપરા કોરોના કાળમાં પણ અસંખ્ય યુવાનોને સાઈકલ ચલાવવાની પ્રેરણા આપીને તેમણે મહામારી સામે રક્ષણ આપ્યું છે. આ સાઈકલવીરને જોઈ કહેવાનું માન થાયઃ
સેહત કો બનાયે હમારી
જો દિલ સે કરે, સાઈકલ સવારી
પુત્રીના જન્મને વધાવવા હેલિકોપ્ટરમાં સવારી
એકવીસમી સદીમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બનીને આગળ વધી રહી છે અને ઘણે ઠેકાણે તો પુરૂષોને પણ પાછળ મૂકીને સડસડાટ ટોચના સ્થાને પહોંચી છે છતાં આજે પણ અગણિત પરિવારો એવા છે જ્યાં પુત્રીના જન્મ કરતાં પુત્રના જન્મની જોરશોરથી ખુશાલી મનાવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રના પુણે પાસેના શેઈટગાંવમાં રહેતા વિશાલ ઝરેકરની પત્નીએ જ્યારે પુત્રીને જન્મ આપ્યો ત્યારે પરિવારમાં સહુ રાજીના રેડ થઈ ગયા. કારણ કે પરિવારમાં બેટી ન હોવાથી સહુ લક્ષ્મીજી પધારે એવી પ્રાર્થના કરતા હતા. પિયરથી પત્ની અને બાળકીને ઘરે લાવવા હરખઘેલા પિતાએ શું કર્યું ખબર છે? એક લાખ રૂપિયા ભાડૂં ચૂકવીને હેલિકોપ્ટર બુક કર્યું અને પછી માતા-પિતા બાળકી સાથે હવાઈમાર્ગે આવી પહોંચ્યા ત્યારે વાજતે ગાજતે વધાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં રાજસ્થાનના નાગૌર જિલ્લાના એક પરિવારમાં ૩ વર્ષે દીકરીનો જન્મ થતા રંગીલા રાજસ્થાનીઓ તો ખુશીથી નાચી ઉઠયા હતા. એમણે પણ પિયરથી પત્ની અને બાળકીને લાવવા માટે પાંચ લાખ રૂપિયા ખર્ચી હેલિકોપ્ટર ભાડે લીધું હતું. આશ્ચર્યની વાત છે કે હેલિકોપ્ટરનું ભાડું ચૂકવવા આ ખેડૂત પરિવારે ખેતરમાં ઊભો પાક વેંચી નાખ્યો હતો. આવી હરખની હેલી જોઈને થાય કેઃ
જ્યાં દીકરી અવતરે
ત્યાં જો આવું સ્વાગત કરે
તો હરખની આવે હેલી
ને હેલિકોપ્ટર હવામાં તરે.
ગામનું સૌથી ટૂંકું નામ
ભલે કામ નાનું શરૂ કર્યું હોય પણ આપબળે આગળ વધે એ ભવિષ્યમાં મોટું નામ કરે છે. વડા પ્રદાન નરેન્દ્ર મોદીનો દાખલો સહુની નજર સામ ેજ છેને? સ્ટેશન પર ચા વેંચતા હતા એમાંથી આગળ વધી દુનિયાને ભૂ પીવડાવવા માંડયા છે. એટલે ટૂંકમાં નામ કરતા કામનું મહત્ત્વ છે. ઓડિશાના એક સ્ટેશનનું ટૂંકામાં ટૂકું નામ છે, ઈબ. અંગ્રેજીમાં પણબે જ અક્ષરનો સ્પેલિંગ થાય આઈબી. જો કે બીજી તરફ આઈ.બી. (ઈન્ટેલિજન્સ બ્યુરો) દેશ સામેના કોઈ ખતરાની આગોતરી જાણ કરવાનું કેવું મોટું કામ કરે છે. સ્ટેશનનું સૌથી ટૂંકું નામ ઈબ છે તો સૌથી લાંબું નામ ક્યાં સ્ટેશનનું છે? એવાં સવાલનો જવાબ મેળવવા દક્ષિણ તરફ નજર દોડાવવી પડે. એક સ્ટેશનનું નામ છે વેંકટનરસિંહરાજુવારીપેટા. તેર અક્ષરના આ સ્ટેશનના નામને ઈંગ્લિશમાં લખો તો ૨૮ અક્ષર થાય. આટલું નામ બોલવા જઈએ ત્યાં ગાડી ઉપડી ન જાય? જોકે સ્ટેશન નાનું છે પણ નામ મોટું છે. રાજકારણમાં પણ કેટલાક તકસાધુ નાનું કામ કરી મોટું નામ મેળવવા હવાતિયાં મારે છે ને? રેલ અને રાજકારણનો ખેલ જોઈ જોડકણું જોડી શકાયઃ
રેલ જેમ રાજકારણમાં ય
દેખાય 'રિઝર્વેશન'નો ખેલ
સત્તાની મળે સીટ એ
ફરે ને કરે ગેલ
ફેંકાયેલા વિરોધીમાંથી કો'કને
જેલ તો કો'ક વિફ-રેલ.
જીવતા જ નહીં મૃત
વાનરને પણ મળે માનપાન
ત્યારે શ્રદ્ધાપૂર્વક કહેવું પડે
જય શ્રી હનુમાન.
ભગવાનના દાગીના ચોરી ભીંતમાં સલવાયો
સારા અને નરસા કર્મોનું ફળ અહીંનું અહીં જ મળે છે. ઉપરવાળાનો હિસાબ બહુ ચોખ્ખો હોય છે. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમના એક મંદિરની બારી તોડીને તાત્યારાવ (નામ બદલ્યું છે) દેવી-દેવતાના દાગીના ચોરવા મધરાતે અંદર ઘૂસ્યો. મૂર્તિ પરના કિંમતી દાગીના ચોરી પોટલી બાંધીને આ ચોરટો મંદિરની ભીંતમાં બાકોરૂ પાડી બહાર નીકળવા ગયો. બાંકોરૂ સાંકડું હતું. એટલે માથું અને કમરના ભાગ સુધીનું શરીર જેમ તેમ બહાર કાઢયું અન ેપછી એવો સલવાઈ ગયો કે જાણે ભીંતમાં જ કોઈએ ચણી દીધો હોય એવો ફિટમફિટ થઈ ગયો. બહાર નીકળવાના બહુ ફાંફા માર્યા, મોઢામાંથી ફીણ નીકળી ગયા એટલે પછી થાકી હારીને બચાવો... બચાવો...ની બૂમાબૂમ કરી મૂકી. આજુબાજુવાળા દોડીને આવ્યા અને મહામહેનતે તેને બહાર કાઢ્યો. પણબહાર નીકળીને નાસી છૂટે એ પહેલાં જ લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો. વર્ષો પહેલાં એક નાટક આવેલું, કોઈ ભીંતેથી આયના ઉતારો, જ્યારે આંધ્રના આ કિસ્સાની વાત જાણી ટાઈટલ ફેરવીને કહી શકાય કે કોઈ ભીંતેથી ચોરને ઉતારો. પછી તો પોલીસોએ પણ તેને સરખાઈનો મેથીપાક અને 'પ્રસાદ' ચખાડયો જ હશેને? એટલે કહેવાનું મન થાય કેઃ
ભગવાનના દાગીના ચોરી
ભીંતે સલવાઈ
બચવા માટે ચોર મચાયે શોર
છેવટે પોલીસ કરે સીધો દોર
પંચ-વાણી
વિદેશમાં ટોઈલેટમાં વપરાય પેપર
આપણે ત્યાં ટોઈટેલની અનેક યોજના પેપર પર.
https://ift.tt/DCzaUcm from Mera bharat-mahan6907 News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ALERzWr
0 ટિપ્પણીઓ