IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે સ્લો ઓવર રેટ બદલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ મેચ રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં દિલ્હી કેપિટલ્સને રોમાંચક મેચમાં 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને પણ સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.
9 એપ્રિલના રોજ, રાજસ્થાન રોયલ્સને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) સામે 58 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ધીમા ઓવર રેટને કારણે રાજસ્થાન રોયલ્સ (RR) ના કેપ્ટન સંજુ સેમસનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલે કે ગઈકાલે અક્ષર પટેલ અને 9 એપ્રિલે સંજુ સેમસને એક જ ગુનો કર્યો. બંનેને સજા થઈ, પણ દંડની રકમ અલગ હતી. સ્લો ઓવર રેટ માટે સંજુ સેમસનને અક્ષર પટેલની સરખામણીમાં બમણી રકમ ચૂકવવી પડી. અક્ષર-સેમસન અને તેની ટીમને IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો.
જો ગુનો એક જ હોય તો દંડ અલગ અલગ કેમ હોય છે?
કલમ 2.22 હેઠળ, કેપ્ટનને ધીમી ઓવર રેટ જાળવવાના પ્રથમ ગુના માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ આ સિઝનમાં અક્ષરની ટીમનો આ પહેલો ગુનો હોવાથી, પટેલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો તે ફરીથી આ જ ગુનો કરશે તો તેને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
સંજુ સેમસનની ટીમે ફરી એકવાર કર્યો હતો ગુનો
RRનો છેલ્લો સ્લો ઓવર રેટ ગુનો રિયાન પરાગની કેપ્ટનશિપ હેઠળ થયો હતો, જ્યારે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચ જીત્યા બાદ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ તે રમતમાં, સેમસન આંગળીની ઈજાને કારણે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો. આ પરિસ્થિતિમાં, રાજસ્થાન રોયલ્સે ફરીથી ગુનો કર્યો, તેથી સંજુ સેમસન પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
કયા કેપ્ટનોને દંડ ફટકારવામાં આવ્યો છે?
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવેલા અક્ષર પટેલ અને સંજુ સેમસન એકમાત્ર કેપ્ટન નથી. મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યા, લખનૌ સુપરજાયન્ટ્સના રિષભ પંત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રજત પાટીદારને પણ સમાન ગુનાઓ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
https://ift.tt/qKAFdV9
from SANDESH | RSS https://ift.tt/tIvkd8A
via IFTTT
0 ટિપ્પણીઓ