પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું. લખનૌને તેના જ ઘરઆંગણે કારમી હારનો સામનો કરવો પડ્યો. આ વર્તમાન સિઝનમાં પંજાબનો સતત બીજો વિજય છે, જ્યારે લખનૌને ટુર્નામેન્ટમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે.
એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, LSG એ પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા. જવાબમાં પંજાબે 17મી ઓવરમાં 8 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી.
એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સને 172 રનનો લક્ષ્યાંક મળ્યો. પંજાબ ટીમનો નવો સ્ટાર પ્રિયાંશ આર્ય આ વખતે નિષ્ફળ ગયો, પરંતુ તેના સાથી પ્રભસિમરનના તોફાનથી લખનૌના બોલરો હેરાન જોવા મળ્યા. પ્રભસિમરન સિંહે માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને મેચમાં તેને 34 બોલમાં 69 રનની તોફાની ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેને 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
કેપ્ટન શ્રેયસ ઐયરે ફટકારી અડધી સદી
પ્રભસિમરન સિંહના આઉટ થયા પછી, કેપ્ટન શ્રેયસ ઐયરે પંજાબ કિંગ્સની ઈનિંગ્સને ઝડપથી આગળ ધપાવી. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં કેપ્ટન શ્રેયસે 97 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ વખતે લખનૌ સામે તેને 30 બોલમાં અણનમ 52 રન બનાવ્યા. ઐયરે માત્ર 2 મેચમાં 149 રન બનાવ્યા છે અને બંને મેચમાં તોફાની અડધી સદી ફટકારી છે.
પંજાબની જીતમાં નેહલ વાઢેરાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વાઢેરા 25 બોલમાં 43 રન બનાવી અણનમ રહ્યો. કેપ્ટન શ્રેયસ સાથે મળીને તેને માત્ર 37 બોલમાં 67 રન ઉમેર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો, ફક્ત દિગ્વેશ રાઠી જ 2 વિકેટ લઈ શક્યો. તેના સિવાય બીજા બધા બોલરો નિષ્ફળ સાબિત થયા. તમને જણાવી દઈએ કે આ જીત સાથે, પંજાબ કિંગ્સ હવે 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે.
પૂરન-આયુષે રમી મહત્વપૂર્ણ ઈનિંગ્સ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલા લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી ન હતી. મિચેલ માર્શ અર્શદીપ સિંહની પહેલી બોલ સમજવામાં નિષ્ફળ ગયો અને સરળતાથી કેચ થઈ ગયો. આ પછી પૂરન અને એડમ માર્કરામે બીજી વિકેટ માટે 31 રન જોડ્યા. માર્કરામ 18 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો. રિષભ પંત ફરી એકવાર પોતાના પ્રદર્શનથી નિરાશ થયા અને માત્ર 2 રન બનાવીને આઉટ થયા. પૂરને કેટલાક શક્તિશાળી શોટ રમ્યા અને 30 બોલમાં 44 રનની જોરદાર ઈનિંગ રમી. પુરને આયુષ બદોની સાથે મળીને અડધી સદીની પાર્ટનરશિપ કરી.
કેરેબિયન બેટ્સમેને તેની ઈનિંગ્સમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. બદોનીએ 33 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા. ડેવિડ મિલરે 19 રનનું યોગદાન આપ્યું. અંતિમ ઓવરોમાં, અબ્દુલ સમદે 12 બોલમાં 27 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જેના કારણે લખનૌની ટીમ 7 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોર બોર્ડ પર 171 રન બનાવી શકી. બોલિંગમાં પંજાબ તરફથી અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લીધી, જ્યારે મેક્સવેલ અને માર્કો જેનસેને એક-એક વિકેટ લીધી.
https://ift.tt/vIme96C
from SANDESH | RSS https://ift.tt/EexcYor
via IFTTT
0 ટિપ્પણીઓ