RCB Vs MI: બેંગ્લુરૂએ મુંબઈને હરાવ્યું, વિરાટ-રજત-હેઝલવુડે મચાવી ધૂમ

હાર્દિક પંડ્યા અને તિલક વર્માની તોફાની ઈનિંગ્સ બેકાર ગઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું. RCB એ 10 વર્ષ પછી વાનખેડે ખાતે મુંબઈને હરાવ્યું છે.

પ્રથમ બેટિંગ કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ રજત પાટીદાર અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી 221 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ એક સમયે 12 ઓવરમાં 99 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પછી હાર્દિક પંડ્યાના 15 બોલમાં 42 રન અને તિલક વર્માના 29 બોલમાં 56 રનથી મેચનો રસ્તો પલટાઈ ગયો. બંને આઉટ થતાં જ RCBનો વિજય નિશ્ચિત થઈ ગયો.

222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા રોહિત શર્મા 9 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો. તેને યશ દયાલે બોલ્ડ કર્યો. પછી થોડા સમય પછી રિયાન રિકલ્ટન પણ આઉટ થઈ ગયો. રિકલ્ટને 19 બોલમાં 17 રન બનાવ્યા.

સૂર્યકુમાર યાદવ કરી ન શક્યો કમાલ

જ્યારે 38 રનમાં બે વિકેટ પડી ગઈ, ત્યારે બધાની નજર સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સ પર હતી. સૂર્યાના બે કેચ પણ ચૂકી ગયા. પરંતુ તેમ છતાં તે મોટી ઈનિંગ્સ રમી શક્યો નહીં. પહેલા વિલ જેક્સ 18 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો અને પછી સૂર્ય કુમાર પેવેલિયન પરત ફર્યો. સૂર્યાએ 26 બોલમાં 28 રન બનાવ્યા. જ્યારે સૂર્યકુમાર આઉટ થયો ત્યારે મુંબઈની જીતની શક્યતા 10 ટકાથી ઓછી હતી.

હાર્દિક પંડ્યા અને તિલક વર્માની તોફાની ઈનિંગ્સ

જ્યારે 99 રનમાં 4 વિકેટ પડી ગઈ, ત્યારે એવું લાગતું હતું કે RCB આ મેચ સરળતાથી જીતી જશે, કારણ કે જરૂરી રન રેટ 15 ને વટાવી ગયો હતો, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાએ આવતાની સાથે જ બેંગ્લુરૂના બોલરો પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. બંનેએ પોતાની વિસ્ફોટક બેટિંગથી મેચનું પાસું ફેરવી નાખ્યું.

13મી ઓવરમાં 17 રન આવ્યા, પછી જોશ હેઝલવુડે 14મી ઓવરમાં 22 રન આપ્યા. આ પછી, 15મી ઓવરમાં 19 રન બન્યા. 16મી ઓવરમાં 13 રન બન્યા અને મેચ મુંબઈના પક્ષમાં ગઈ. 17 ઓવરમાં, MIનો સ્કોર 4 વિકેટે 181 રન હતો.

બેંગ્લુરૂના બોલર્સે મચાવી ધૂમ

ભુવનેશ્વર કુમારે 18મી ઓવરમાં તિલક વર્માને આઉટ કર્યો. ત્યારબાદ 19મી ઓવરના પહેલા બોલ પર જોશ હેઝલવુડે હાર્દિકને આઉટ કરીને આરસીબીની જીત સુનિશ્ચિત કરી. મુંબઈને છેલ્લા 12 બોલમાં 28 રનની જરૂર હતી, પરંતુ હેઝલવુડે 19મી ઓવરમાં ફક્ત 9 રન આપ્યા. હવે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. કૃણાલ પંડ્યાએ પહેલા બે બોલમાં બે વિકેટ લીધી અને પોતાની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો.

આરસીબી તરફથી કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડે 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ લીધી અને યશ દયાલે 46 રન આપીને 2 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા. અગાઉ બેટિંગમાં, વિરાટ કોહલીએ 67, દેવદત્ત પડિકલે 37, કેપ્ટન રજત પાટીદારે 64 અને જીતેશ શર્માએ 19 બોલમાં અણનમ 40 રન બનાવ્યા, જેના કારણે RCBએ 20 ઓવરમાં 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.


https://ift.tt/PNmFSzl
from SANDESH | RSS https://ift.tt/ndB4wrV
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ